મહેસાણામાં 32 ક્લસ્ટર માટે પ્રાકૃતિક ખેતીની તાલીમ શરૂ, 64 સીઆરપી જોડાશે

નેશનલ મિશન ઓન નેચરલ ફાર્મિંગ અંતર્ગત મહેસાણા જિલ્લામાં 32 ક્લસ્ટરની રચના કરવામાં આવી છે. આ ક્લસ્ટરમાં પસંદ થયેલ કૃષિ સખી અને સીઆરપીના પ્રાકૃતિક કૃષિ અંગેના જ્ઞાનમાં વધારો કરવા માટે તાલીમનું આયોજન કરવામાં આવ્યું છે. પ્રથમ બેચમાં બેચરાજી, મહેસાણા, કડી, જોટાણા અને વિજાપુર તાલુકાના 28 તાલીમાર્થીઓએ ભાગ લીધો હતો. 21 એપ્રિલથી વિવિધ તાલુકાઓમાં આ તાલીમ શરૂ થઈ છે, જે મે મહિનાની શરૂઆત સુધી ચાલુ રહેશે. દરેક ક્લસ્ટરમાંથી બે લોકોને, એટલે કે કુલ 64 કૃષિ સખી અને સીઆરપી, અલગ અલગ બેચમાં મે મહિના સુધી તાલીમ આપવામાં આવશે.

મહેસાણાના કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વૈજ્ઞાનિક અને વડા ડૉ. રમેશભાઈ પટેલ જણાવે છે કે "અત્યારે પ્રાકૃતિક કૃષિનો સમય ચાલી રહ્યો છે, જેના કારણે ભારત સરકાર દ્વારા 'નેશનલ મિશન ઓન નેચરલ ફાર્મિંગ' શરૂ કરવામાં આવ્યું છે. આ મિશન અંતર્ગત મહેસાણા જિલ્લામાં 32 ક્લસ્ટર બનાવવામાં આવ્યા છે, જે દરેકમાં 2-3 ગ્રામ પંચાયતનો સમાવેશ થાય છે અને તેમાં બે સભ્યો હોય છે. કૃષિ સખી અથવા કોમ્યુનિટી રિસોર્સ પર્સન (સીઆરપી) એવા લોકો હશે, જેઓ એક વર્ષથી પ્રાકૃતિક ખેતી સાથે જોડાયેલા છે. આ લોકોને તાલીમ આપવાની યોજના છે, જેથી તેઓ વધુ 125 જેટલા ખેડૂતોને તાલીમ આપી શકે અને પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધારી શકે. આ મિશન હેઠળ, દરેક ક્લસ્ટરથી બે વ્યક્તિઓ, એટલે કે કુલ 64 સીઆરપી અને કૃષિ સખીને પ્રાકૃતિક ખેતીની તાલીમ આપાશે.